આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેરા વાળો
૧૪૫
 

“ઓ બાપુ ! તમારી ગૌ !” એવી ધા નાખીને ગોવાળ વાલેરા વાળાના પગમાં પડી ગયો.

“ગાયું દોવા મંડછ કે નહિ!” દરબાર તાડુક્યા.

“દોઈ લઉં !”

“કોઈ દી રિસાઈશ ?”

“કોઈ દી નહિ !”

ગાયનું દાન એટલેથી જ અટકી ગયું. ગોવાળે ગાય દોહી લીધી.

આંબુમિયાં અને જાંબુમિયાં નામના બે ચાબુકસવારો રાજકોટના ગોરા લાંગ સાહેબ ઉપર વડોદરા મહારાજ ખુદ ખંડેરાવની ચિઠ્ઠી લઈને હાજર થયા છે. ચિઠ્ઠીમાં મહારાજ લખે છે કે ‘મોંએ માગે તેટલા દામ ચૂકવું. મને વાલેરા વાળાનો મારુયો અપાવો.”

મારુયો ઘોડો આપા વાલેરાનો, પેટના દીકરાથી પણ વધુ વહાલો ઘોડો હતો. મારુયો તો આપાના કલેજાનો કટકો હતો. મારુયો સરજીને સરજનહારે ઘોડાં બનાવવાની બધીયે માટી વાપરી નાખી હતી. ફક્ત મારુયાને ફેરવવા બદલ જ વાલેરા વાળાએ ફતેહઅલી નામના ચાબુકસવારને એક હાથી અને પાંચ હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા છે. અને કોટાના મહારાજાના ઝરૂખા પર ઘોડાં ઠેકાવીને મહારાજના હાથમાંથી રૂમાલ લેવરાવનાર ઉસ્તાદ ચારણ ભૂરા જેહળના હાથમાં મારુયાને સોંપીને દરબારે મારુયાની રજેરજ એબ વિણાવી કાઢી છે. એવા નટવર રૂપ મારુયા ઉપર આજ વડોદરાના ખાવિંદની આંખો ઠરી છે.

સનાળી અને દેરડીના સીમાડા કાઢવા માટે લાંગ સાહેબે સનાળીને પાદર તંબૂ તાણ્યા. આંબુમિયાં જાંબુમિયાં મારુયાનાં