આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 “સાંભળો, ભાઈ ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઈ મેલી છે. આપણને શાસ્તરની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્તર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે – વાંસા-મૌર્ય નહિ. છે કબૂલ ?”

“વીહળભા ! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વીહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતાપોતાની તલવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે, જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલા ડાલાં જેવડાં બારે માથા ઉપર બાર ઝગારા મારતાં ખડગ મંડાયાં. અને બારેનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે 'જીવવું-મરવું બારેયને એકસંગાથે – ઘડી એકનુંય છેટું ન પાડવું.'

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો. મોતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઈને આનંદે ચડ્યા છે. વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે. કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડાં હાંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઈશ્વરનાં ભજન-આરતી સંભાળે છે.

બીજી બાજુ શો બનાવ બન્યો?

અમદાવાદની કચેરીમાં જઈને વીસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે, “અરે, હે પાદશાહ સલામત ! તેં સારાય સોરઠ દેશને કંડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી પાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.”