આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

સાડલાને છેડે બાંધીને ચારણી સૂતી. બાઈની પથારીની પડખે જ એની પથારી હતી. ઉનાળો હોવાથી પથારીઓ ઓસરીમાં પાથરેલી. ચારણીએ કહેલું કે “મા, સવારે હું ભળકડામાં જ ચાલીશ.”

સવાર પડ્યું એટલે ચારણી તો વહેલી વહેલી રસ્તે પડી. જ્યાં દેરડી ગામ સુધી પહોંચી ત્યાં વાંસે ઘોડાના ડાબલા ગાજ્યા. પાછું વાળીને જુએ તો જેતપુરના અસવારો ! અસવારોએ આવીને પાધરું જ કહ્યું કે આઈનું કાપડું અને ઝૂમણું લઈને ભાગી જાતી’તી કે રાંડ? કાઢી દે કાપડું ને ઝૂમણું.”

“અરે, ભાઈ ! તમે આ શું બોલો છો? મને ખબર પણ નથી. આ એક કોરી માએ દીધેલી તે છેડે બાંધતી આવી છું. બાકી કાપડું કેવું? ઝૂમણું કેવું?”

“એમ? શાવકારની દીકરી થાવા જા’છ?”

“અરે, બાપુ, તમે કહો તો હું વાંસો વાળીને આ સાડલો વીંટી મારી જીમીયે કાઢી બતાવું. મારી પાસે કાંઈ નથી. હું ચારણી ઊઠીને ચોરી કરું ?”

“રાંડ એમ નહિ માને. લઈ હાલો જેતપુર”

ડોસીને જેતપુર તેડી ગયા. ડેલીમાં વાલેરા વાળૉ ને જગા વાળો બેય ભાઈ બેઠેલા. ચારણી હાથ જોડીને કરગરવા લાગી કે “બાપુ ! જોગમાયાના સમ. મને કાંઈ ખબર નથી.”

ઘરમાંથી બાઈએ કહેવરાવ્યું કે “મારા પડખે એ ડોસી જ સૂતેલી. બીજું કોઈ નથી આવ્યું. એ જ ચોર છે. સાચી હોય તો કકડતા તેલમાં હાથ બોળે.”

“ના રે, બાપુ ! કળજુગમાં એવું ક્યાં રહ્યું છે કે સાચાના હાથ ન બળે? એ બાપ ! મને રાંકને શીદ સંતાપો છો? મારે મારું સાચ એવી રીતે ક્યાં બતાવવું છે?”