આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણનમ માથાં
 


“કોણ છે, એવો બેમાથાળો, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ?” પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું.

“આંબરડી સુંદરીનાં સાત સાજણ ગામનો ધણી વીસળ . જાતનો ચારણ છે.”

'લા હોલ વલ્લાહ ! યા ખુદા તાલા ! યા પાક પરવરદિગાર !' — એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અક્કેક ઘેટો હજમ કરવાવાળા, અક્કેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપબખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની જોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા.

“શું, સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે? એની પાસે કેટલી ફોજ ?”

“ફોજ-બોજ કાંઈ નહિ, અલ્લાના ફિરસ્તા ! એક પોતે ને અગિયાર એના ભાઈબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. પાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડડ ! સુલતાનની ફૂલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઈ ગયાં. ફોજને હંકારવા હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે, “બોલાવો વીસળ રાબાને.”

એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખંભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો — એવા દેવતાઈ રૂપવાળો વીસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજનાં કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે, નવરંગીલી દશે દિશાઓના ચાકળાચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળ નાખતી ધરતી