આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


માણસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી રહી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કજિયા-તોફાનો ચાલ્યાં કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા મંડી. સોલ્જરોના ટોપકાંને માથે સોનેમઢ્યાં ટોપકાં સૂર્યના તેજમાં ચમકવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો.

પોતાના ત્રણ મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો.

હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઈઓમાં વહેંચાઈ જશે — એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જ્રોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યા.

બીજી બાજુ, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વહાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્યાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક વળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા લાગ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઈ કહે, ‘છાશ પી આવું’, કોઈ કહે, ‘જંગલ જઈ આવું’, ને કોઈ કહે, ‘નાડાછડ કરી આવું’.

જોતજોતામાં એકે ઘરડું બૂઢું માનવી પણ ન રહ્યું. સહુને