આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

લખમણ જતિ !”

સાંજ પડી. ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું. “યા ખુદા ! આડહથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથે માથું આ અગિયારે જણા બાજરાનાં ડૂંડાંની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો ! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તે હડુડુડડુ ! હમમમમમ ! ધડ ! ધડ ! ધડ!—

સીંગણ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે,
સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે
વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,
ત્રુટે ગુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતશાહી ફોજની ગલેલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસાં સોંસરવા ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઈબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યા. કોઈ એક પગે ઠેકાતો આવે છે, કોઈ આંતરડાં ઉપાડતો ચાલ્યા આવે છે, કોઈ ઘડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ અગિયાર જણા પોતાની કાયાને કટકે કટકે ઉપાડીને કુંડાળે પહોંચ્યા, પછી વીસળે છેલ્લી વાર મંત્ર ભણ્યો, “ભાઈબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”

સહુ બેઠા. લોહીનો ગારો કરી સહુએ અક્કેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદાં ઓશીકાં કર્યા અને સામસામાં રામરામ કરી, અગિયારે જણા પડખોપડખ પોઢ્યા.

ટોયલી ભરી ભરીને માંજૂડી રબારણ અગિયારે મોતના વટેમાર્ગુઓને પાણી પાય છે, પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે, ત્યાં તો અગિયારેની ઓળખાણ કરવા સુલતાન પોતાના કૂકડિયા ચારણને લઈને કૂંડાળે આવ્યો.