આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


“ના, ના, એમ મારાથી ન ઊતરાય, તમ સરખા શૂરવીરના દાયરામાં હું કેમ શોભું? અરે, દાયરાના ભાઈઓ, આમ જુઓ. આ ખીજડાનું ઝાડ જોયું? એના થડમાં હું તીર નાખું. તમે એને ખેંચી કાઢો એટલે બસ. બાકીનું બધું તમારું !”

એમ કહી અસવારે ખભેથી ધનુષ્યની કમાન ઉતારી. ત્રણસો ને સાઠ તીરનો ભાથો ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું. ઘોડાના પેંગડા ઉપર ઊભો થઈ ગયો. કાન સુધી પણછ ખેંચીને તીર છોડ્યું. હવામાં ગાજતું જતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના થડમાં ખૂતી ગયું. ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર રહી.

રજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢો જામ અસવારના મોં સામે જોઈને ફૂલેલ છાતીએ બોલી ઊઠ્યો, “વાહ બાણાવળી ! વાહ ધનુર્ધારી ! વાહ રે તારી જનેતા ! ધન્યભાગ્ય તારાં વારણાં લેનારી રજપૂતાણીનાં ! વાહ રજપૂતડા !”

 

ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર,
કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.

આ ઝાડે પણ જેનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ન ઝીલ્યાથી પગ નીચે કડાકા કરે છે, એ પુરુષ કાળા માથાનો માનવી નહિ, પણ સાચેસાચ ઇન્દ્રનો અવતાર દીસે છે.

અસવારે હાકલ દીધી. “ઠાકોરો ! ઊઠો, કોઈક જઈને એ તીર ખેંચી આવો તોપણ હું સરસામાન સોંપી દઉં.”

રજપૂતો ઊઠ્યા, ચાર આંગળની લાકડી ખેંચવા મંડ્યા, પણ તીર ચસ દેતું નથી.

“જુવાનો, ઉતાવળા થાઓ મા. ફરીને બળ વાપરો.”

પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો. જઈને તીર તાણ્યું. જેમ માખણના પિંડામાંથી મોવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેચાઈ આવ્યું.