આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


“અરે, એકલમલ્લભાઈ ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો!”

“આંબવા દો, ઓઢા જામ ! તમે આ ઘાસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો પછી મોજ કરતાં કરતાં કાં ન મરવું ?”

બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઈ રહ્યો છે : “વાહ અલ્લા ! વાહ તારી કરામત ! બેય દુશ્મન ધરપત કરીને બેઠા છે —– કેમ જાણે આપણે કસૂંબો પીવા આવતા હોઈએ !”

“એઈ બાદશાહ !” એકલમલે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો. “પાછો વળી જા. એઈ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.”

ખડ ! ખડ ! ખડ ! ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઈ ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.

 

પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા,
કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.

પહેલે જ તીરે પાદશાહના ડંકાવાળાને પાડી દીધો. ડંકો ધૂળમાં રોળાણો.

તોય બાંભણિયાનો સેનાપતિ દરિયલખાન ચાલ્યો આવે છે. એકલમલ્લે ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું, કાન સુધી પણ ખેંચી પડકાર્યું, “બાદશાહ, તારી થાળીમાં લાખના કોળિયા કહેવાય. તને મારું તો પાપી ઠરું પણ તારું છત્તર સંભાળજે.”

એકલમલ્લના ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છૂટ્યું, બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું.

 

બીજે ઘાયે બાણ, પુવે છત્તર પાડિયો,
કુદાયા કેકાણ, હોથી હાલી નીકળ્યો

છત્ર પાડ્યું. ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઈને બાંભણિયો થંભી ગયો.