આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૨૯
 

“વાહ. રજપૂત, વાહ વાહ” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે:

 

માડુ તોં મુલાન, તું કિયોરજો રાજિયો,
પૂછે દરિયલખાન, રૂપ સોરંગી ઘાટિયો.

એ માનવી, તું એવો બહાદુર કોણ? તું પોતે જ શું કિયોરનો રાજા ઓઢો ?

 

નૈ માડુ મુલાન, નૈ કિયોરજો રાજિયો,
ખુદ સુણ દરિયલખાન, (હું) ચાકર છેલ્લી બાજરો .

એ સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે, માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ-પચીસ વીઘાં વધી પડશે.

 

બાંભણિયો કે બેલીડા, કરીએ તોજી આસ,
કરોડ ડીજા કોડસું, અંદર ઊગે માસ.

બાંભણિયે સાદ કીધો કે, હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ. દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીને મુસારો ચૂકવીશ.

“માફ કરજે બાંભણિયા રાજા! મને દરગુજર કરજે !!

 

કરોડ ન લીજેં કીનજા, ન કીજેં કીનજી આસ,
ઓઢો અસાંજો રાજિયો, આંઉ ઓઢેજો દાસ.

કોઈની કરોડ કોરી લૂંટીશ નહિ. મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું.

“યા અલ્લા !” એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો.

ઓઢો અબોલ બનીને ઊભો છે. ઓઢાને વાચા જડતી નથી. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થઈ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે ! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યું હશે ?

“ઓઢા જામ !” એકલમલ્લે સાદ કર્યો, “કોનું ધ્યાન ધરી