આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

રહ્યા છો? કહેતા હતા ને, કોઈની સાથે માયા લગાડી નથી?”

“બેલી ! બેલી ! બેલી !” ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો, જીભના લોચા વળી ગયા. ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા.

એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતે બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે અને ખાંડિયાંબાંડિયાંનું ટોળું બતાવીને રજપૂત બેલ્યા, “એકલમલ્લભાઈ, લ્યો આ તમારો ભાગ.”

“ઓઢા જામ !” એકલમલ્લ મરકીને બોલ્યો, “જોયા તમારા રજપૂત? કેવી ખાનદાની બતાવી રહ્યા છે!”

“ધિક્કાર છે, રજપૂતો ! જનેતાઓ લાજે છે !” એમ કહીને ઓઢાએ બેય ટોળાંની વચ્ચોવચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખા ભાગ પાડી નાખ્યા.

“લ્યો ભાઈ, તમારા ભાગ ઉપાડી લ્યો, એકલમલ્લ !”

ઓઢા જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢ્યો હું તમને ભેટ કરું છું. મારે સાંઢ્યોને શું કરવી છે? મારા બાપુના જીવની સદ્‌ગતિ સારુ જ મેં તો આ મહેનત કરી. અને હવે, ઓઢા જામ, રામ રામ ! અહીંથી જ હવે નોખા પડશું.”

નહિ વિસારું

ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામાં ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને એ બોલ્યો, “બેલીડા ! વીસરી તો નહિ જાઓ ને ?”

“ઓઢા જામ ! હવે તો કેમ વીસરાશે?

 

જો વિસારું વલહા, ઘડી એક જ ઘટમાં,
તો ખાંપણમાંય ખતાં, (મુંને) મરણ સજાયું નવ મળે.