આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બન્નેની વચ્ચે તલવાર મૂકીને એક જ પથારીએ પોઢે તે નાદાની ('દસ્તાવેજ'): માણસિયો વાળો પોતાનો દેહ છેદીને પંખીને ખવરાવે તે નાદાની : અને જાલમસંગ જાડેજો પોતાની શરદી ઉડાડવા પોતાના આશ્રયદાતાની પત્નીને પડખે બાલભાવે પોઢી જાય તે નાદાની ('ભાઈબંધી' : રસધાર' ભાગ ૧) – એ બધા વિરોધી દેખાતા અને જંગલી જણાતા માનવધર્મોનો મેળ સમજવો મુશ્કેલ થઈ પડે છે. વાચક ! તારી કલ્પનાશક્તિને ઠગી જવાની આ રમત નથી. તું પોતે જ તારી દૃષ્ટિને દિલસોજ બનાવી માનવજીવનનાં આ આત્મમંથનોને ન્યાય આપજે. યુગ યુગના જૂજવા કુલધર્મો ઉકેલવાની આંખ કેળવજે.

એ કાંઈ શાસ્ત્રજ્ઞાઓ ઉપર રચાયેલો કુલધર્મ નહોતો. એ તે માનવધર્મની નિગૂઢ સમસ્યાઓ લઈને મનુષ્ય સમક્ષ આવી ઊભો રહે. સીતા અને સાવિત્રીનાં સતીત્વ તો સીધાં અને સુગમ્ય છે. પણ સોરઠી સંસ્કૃતિનું સતીત્વ એટલે તો સાંઈ નેસડીનું, દાંત પાડી નાખનાર કાઠિયાણીનું અને નાગાજણ ચારણની સ્ત્રી('મરશિયાની મોજ')નું સમસ્યાભર્યું અને જટિલ સતીત્વ: એ આપણી મતિને મુંઝવી નાખે છે. એનો તાપ આપણાથી જલદી ઝિલાતો નથી. માટે જ એને પચાવવાની પ્રબળ કલ્પનાશક્તિ જોઈએ છે.

'અણનમ માથાંની ઘટના આપણી અસલી સંસ્કૃતિમાં એક નવી રેખા આંકે છે. કોઈ મિથ્યાભિમાની પોતાના ગર્વથી બહેકી જઈ અન્યને માથું ન નમાવે તે કાંઈ ગૌરવગાથાની વસ્તુ નથી. અહીં તો માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિદ્ધાંત પર બાર વીરોનું નિરભિમાની બલિદાન ચડેલું છે. અને બારમો એક બાકી રહી ગયેલો મિત્ર દોડીને કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે એવો બનાવ દુનિયાના અન્ય સાહિત્યમાં હજી શોધાયો નથી.

'દસ્તાવેજ'ની કથાનું ઘટનાસ્થાન નક્કી નથી. પણ સોરઠી સાહિત્યે અને સંસ્કૃતિએ એને અપનાવી લીધી છે, તેથી જ એ કથા અત્રે આપી છે. એ જ રીતે, 'હોથલ' પણ કચ્છ અને કાઠિયાવાડ વચ્ચે તકરારી સામગ્રી છે.

8