આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૪૯
 

અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવળીનું આ સપાખરું ગીત બાંધ્યું.

એ ચારણી વાણી સાંભળતાં સાંભળતાં આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીત પૂરું થયે દેવા વાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલાં ભર્યાં. ચારણને હાથ લંબાવી રામ રામ દીધા-લીધા. કસિયોભાઈ પૂછે છે :

“બાપ ! આવી બધી તૈયારી આજ કોને માથે કરી ?”

“કસિયાભાઈ ! વરજાંગડો આજ ઢોળવામાં રાત છે. ઘરમાં ભરાણો છે. વરજાંગને ઝાટકો દેવા જાઉં છું.”

“વાહ ! વાહ! વાહ ! વાહ ! કાઠી !” એમ ભલકારા દઈને કસિયા નીલાએ દુહો કહ્યો :

ગાજે વ્રેહમંડ ઘોર, ભોંયવડાને લાગો ભડક,
જેતાણે સિંહ જોર, દેવો ઝરડકિયું દિયે.

“હાલે આપા, હુંય હાર્યે આવું છું.”

“બહુ સારું. પણ હવે તો કસૂંબો લઈને પછી ચડીએ.”

ઊભાં ઊભાં એક અંજલિ કસૂંબો લઈ કસિયાભાઈને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવુંય સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડાં વાટ કાપતાં જાય છે.

ચારણની હિંમત

“થોડીક વાર તો જંપી જાઓ ! થાક નથી લાગતો?” સૂતેલા પુરુષના લાંબા લાંબા કેશની ગૂંચ ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી.

"તારી છાતીએ માથું મૂકતાં તો તલવારના ઘા સોત મળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવું કેમ ગમે? પલક વારેય આંખ મળતી નથી. આટલે દિવસે આવીનેય ઊંઘવા બેસાય, ગાંડી?” સ્ત્રીના ખોળામાં સૂતો