આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 

ત્યાં તો કમાડ ભભડ્યું. ‘વરજાંગડા ! વરજાંગડા ! ભાગજે. દેવો વાળો આવે છે’ – એવો સંદેશો બોલ્યો. વરજાંગ કાઠિયાણીને રામ રામ કરીને ભાગ્યો. ફળીમાં ઘોડી પલાણેલી તૈયાર હતી. ચડીને ચોર ચાલી નીકળ્યો.

ઘડી પહેલાં ક્યાં હતો ? તંબોલવરણા હોઠવાળી કાઠિયાણીના હૈયા ઉપર ! અને પલકમાં ક્યાં જઈ પડ્યો ? દસ વરસથી વિજોગ વેઠતો ભાગતો વરજાંગ હૈયું હાથ રાખી શક્યો નહિ. ચાતકની જોડલી સરખાં બેય માનવીની વચ્ચે દેવા વાળાની અદાવતરૂપ રાત અંધારી ગઈ છે; વચમાં કાળની નદી વહી જાય છે. કાઠિયાણી ઢોળવે રહે, અને વરજાંગને રહેવું ભેંસાણ રાણપુરમાં ! જીવતર અકારું બન્યું.

થોડીક વાર એ થંભી ગયો. પાછા વળીને દેવા વાળના પગમાં પડી જવાનું મન થઈ ગયું. તાજો છોડેલો સુંવાળો ખોળો સાંભરી આવ્યો. વરજાંગ જાણે પડ્યો કે પડશે ! માટીવટ પીગળવા માંડી. વગડામાં એણે તાજણને થંભાવી દીધી.

ત્યાં તો એણે શું જોયું? કાઠિયાણીનું ઠપકાભર્યું મોં! એ મોંમાંથી જાણે વાચા ફૂટી કે, ‘વરજાંગ ! મારો વરજાંગ તો મરી ગયો ! તને હું નથી ઓળખતી.’

‘અહાહાહા !’

‘ફટ્ય મનસૂબા ! લોહી-માંસના લોચામાં જીવ લોભાણો !’

એટલું બોલીને વરજાંગડે ઘોડીને દોડાવી મૂકી. મહાજુદ્ધમાં રમી આવ્યા હોય એવો રેબઝેબ પરસેવો એને આખે અંગે ટપકવા માંડ્યો. તાજણના ડાબામાંથી શાબાશીના સૂર સાંભળ્યા.

ધડ ! ધડ ! ખડકીનાં કમાડ પર કાઠીઓનાં ભાલાં પડ્યાં અને દેવા વાળાએ ત્રાડ દીધી: “બા’રો નીકળ્ય ! મલકના ચોલટા, બા’રો નીકળ્ય ! બાયડીની સોડ્યમાં બહુ સૂતો !”