આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

“શેનો ભેદ?”

“આ તલવારનો !”

“રજપૂતાણી, લ્યો આ વાંચો.”

વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી. વાંચતા વાંચતાં તે રાજબાની આંખો, દીવામાં નવું તેલ પુરાય તેમ, ઊજળી બની ગઈ. એનાથી બોલાઈ ગયું: “રંગ છે તારી જનેતાને, ઠાકોર ! વાંધો નહીં.”

ચોરે બેસી બેસીને ઠાકોર બે પહોર દી ચડ્યે છાશ પીવા આવ્યા. પોતે પરોવેલાં મોતીનો નવરંગી વીંજણો ઢોળતી ઢોળતી રજપૂતાણી પડખે બેઠી અને બોલીઃ “હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ?”

"ત્યારે શું હડિયું કાઢું?” રજપૂત તિરસ્કારથી હસ્યો.

“આ લ્યો,” કહીને રજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની બે ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો.

ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો : “આનું શું કરું? કરજ ચુકાવી નાખું? બસ, ધીરજની અવધિ આવી ગઈ? રજપૂતાણી ! બાયડીનાં પાલવડાં વેચીને વ્રત છોડાય?”

“ઉતાવળું બોલી નાખો મા, ઠાકોર ! જુઓ, આમાંથી બે ઘોડિયું, બબ્બે જોડ પોશાક કરાવો, ને બે જોડ હથિયારની.”

બીજી જોડ કોના માટે?”

“મારે માટે.”

“તમારા માટે ?”

“હા, હા, મારે માટે. નાની હતી ત્યારે બહુ પહેર્યા છે. તલવારો છાનીમાની સમણી છે. હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલીએ ચોકી કરી છે. આજ સુધી છોકરાની