આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રતન ગિયું રોળ !

“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું ! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો ! ખમા મોળી આઈને ! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્યા હાલો આપડે દેશ.”

આષાઢીલા મેહુલાને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઊતરવા માટે ગુજરાતમાં ગયેલા એક નેસવાડિયા ચારણનું અંતર આવા કલ્લોલ કરી ઊઠ્યું, અને પડખે જ પોતાની પાડીની ખરીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મરક મરક હસીને મર્મ કરે છે: “ભણેં ચારણ, ક્યાંય તોળી ડાગળી ખસેં જાતી નંઈ!”

“સાચેસાચ, ચારણ્ય, માલધારિયુંનાં મનડાં થર્ય ન રે' ઈમો ભલો મેં’ ત્રાટકતો સૅ, હો મોરલાનાં ગળાં આમાં કીમાં ગુંજતાં હશે ! આજ તો ગર્ય ગાંડી થે જાશે, હો!”

“જેવા ગાંડા મોરલા, એવી જ ગાંડી ચારણની જાત્ય. બેયનાં મન મેં’ દીઠ્યે ફટકે!”

“હાલો, ચારણ્ય, ઉચાળા ભરો ભીંસને માથે, હળુહળુ હાલત થાયેં.”

ગુજરાતના અધસૂકા તળાવડામાં પડીને કાદવમાં નાહતી અને માથે લાકડીઓના મે વરસે છતાં પણ માંણેથી ન ઊઠે તેવી મેંગલ ભેંસ ફક્ત ચારણીના મુખમાંથી ‘બાપ ! મેંગલ ! હાલો બાપ ! હાલો મલકમાં !’ એટલી ધીરી ટૌકાભરી બોલી સાંભળતાં તો ભુંભાડ દેતી એકદમ બેઠી થઈ ગઈ, અને શરીર ઉપર ચમરી ઢોળે તેમ પૂછડું ફંગોળીને દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી. ઘંટીના બે પડ, બે ગોદડાના ગાભા, ને બે-ચાર ઠામડાં, એક સિંદૂરની ડાબલી વગેરે જે થોડીક ઘરવખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ-ચારણી સોરઠને માર્ગે ચડી ગયાં.

93