આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
127
 

આવ્યો છે.”

“અધરાતુંનો ઊંઘવા જ દેતો નથી.”

“અને દીએ જોયો હોય તોય બી મરીએ એવો છે. વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજા જોઈ લ્યો!”

સરજુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વળગ્યું. રોજ ભાંગતી રાતે એની નીંદર ઊડી જાય છે. અને ધુંવાસના શિખર ઉપર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઊભેલો એક શ્યામવરણો જુવાન રબારી હીરે મઢેલા આભ સામે નજર રાખી ફુલાવેલી છાતીએ માતાનાં અકળ અગમ ભજનો ગાતો હોય, એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે. સરજુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે. પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સૂરથી બંધાઈ.

પછી એક દિવસ કુંવરે એ સરજુ ગાનાર રબારીને નજરોનજર જોયો. પોતાના ભાઈ-બાપ પણ ખાડું ઘોળીને સાણાના ડુંગરમાં ધુંવાસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સહુની ભેંસો ભેળી થઈને ચરે છે. માંદણાં ખૂંદે છે, મૂંગી મૂંગી જાણે રાણા-કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે. નાનાં ઝાડવાંની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ-બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી બે રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનની મીઠપમાં બૂડી ગઈ. કાળો મેહુલો, કાળી કોયલ, ધોળાં અમૃત દેનાર કાળી ભેંસો, કાળો વાસુકિ નાગ, કાળો ભમરો એવી એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામસુંદર રબારી રાણો પણ મળી ગયો.

કુંવરને જોઈ ત્યારથી રોજરોજ રાણો વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાનાં ખાડુંને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતાં તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આવતો આજુબાજુ કોઈ નથી ને, એટલી નજર કરીને દુહા રેલાવ્યે જાય છે :