આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



રાણો કે’ આ રાનમાં, માઢુ ટોળે મળ્યાં,
આગે અમરત ઊજળાં, ભેરાઈનાં ભળ્યાં.

[આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યાં છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું.]

કુંવર કાળી નાગણી, સંકેલી નખમાં સમાય,
(એનું) કરડ્યું ડગ નો ચાતરે, કુંવર ચાભાડ્ય કે’વાય.

[કાળી નાગણી જેવું એનું રૂપ-ઝેર છે. જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહિ, એને વશ થઈ જાય, એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે.]

બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,
હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.

[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.]

બાળે બીજાના વાળ, ઓડ્યેથી ઊંચા રિયા,
ચોટો ચોસરિયાળ, કડ્યથી હેઠો કુંવરને.

[આગ ઊઠજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવાં જીંથરકા (નાના) હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ ! કેવો રૂપાળો ચોટલો કમ્મરથી પણ નીચે ઢળકતો શોભે છે !]

બાળે બીજાંની આંખ્ય, ચૂંચિયું ને બૂચિયું.
મૃગના જેવી આંખ્ય, હોય કોટાળી કુંવરની.
બાળે બીજાનાં ઉર, હાલે ને હચમચે,
છાતી ચાકમચૂર, હોય કોટાળી કુંવરની.

[બળજો બીજી સ્ત્રીઓનાં સ્તન કે જે ઢીલાં પોચાં પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે.]

એવી કુંવરની કાયાનાં રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશિષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઊતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે.

એ માયામમતા બાંધતાં બાંધતાં અબુધ પ્રેમીઓને એટલું પણ ભાન