આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરિયાવર

“આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જાછ , બેટા હીરબાઈ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!”

"ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.”

"અરે બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઈ ! એકેએક ચીજ ઉતારી લે. મેંથી એ નહિ જોયું જાય, બેટા ! મને એ માંડ્યછાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.”

નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભાસંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે. સાત ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઈ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના – જે કાંઈ પિતાના ભર્યાભાદર્યા ઘરમાં હતું, તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઈ રહ્યાં છે.

“હાંઉ બાપુ ! હવે બસ કરી જાઓ.” હીરબાઈએ આડા હાથ દીધા.

“પણ હું રાખી મેલું કોના સાટુ, બાપ? હું તો હવે બે ચોમાસાં માંડ જોઈશ. અને મારું ગામતરું થયે તો આ પિતરાઈઓ આંહીં તને થોડા ડગલુંય ભરવા દેવાના છે?”

દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે.

“હીરબાઈ”, ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા

3