આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી ! ઓહો, કેવી દારુણ !]

“ભૂતડો છો? કોનો ભૂત?”

“ન ઓળખ્યો, કાકા?”

હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,
પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.

“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે. તારો પણ દીકરોઃ ને તું મારો બાપ: છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.”

“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુઃખ મરણ પછી પણ રહી ગયાં?”

ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે –

માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડી.
ન વીંધાણાં તડમાંય, પદમાસું પરણ્યા વિના.

“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધાવું પડ્યું. અને, કાકા, હવે. તો –

ભેળાં થાયી ભૂત, આડી ગર્યું ઓળંગવા,
તને સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.

આંહીં ભૂતાવળના વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા લખીએ છીએ, પણ અમારાં અંગો વાસનાની આગથી સળગી ઊહ્યાં છે, તે તારી મદદ વગર નહિ ઓલવાય, હે કાકા!”

“તે હવે હું શું કરું, બેટા?”

“મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!”

“અરે ગાંડા ! તું પ્રેત છો. તને કેમ કરીને લઈ જાઉં?”