આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150.
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે.

બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાળુ કરીએ.”

અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજજડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ.

અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા.

મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે?