આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
181
 


“હે દીવાનસાહેબ ! મારે બાર મહિનાનું વ્રત ચાલે છે. નવ મહિના થઈ ગયા છે, હવે ત્રણ જ મહિના તમે જાળવી જાઓ. પછી હું ખુશીથી તમને પરણીશ. ફક્ત મારી આટલી પ્રતિજ્ઞા પાળવા દેજો; હું કોઈનું રાંધેલું ધાન નહિ ખાઉં, ને કોઈનું અડકેલું પાણી નહિ પીઉં; પલંગે પથારી નહિ કરું; પરપુરુષનું મોં નહિ જોઉં; આટલું જો નહિ પાળવા દ્યો તો હું જીભ કરડીને મરીશ.”

ત્રણ મહિના વીતી ગયા.

મુખેતે સુગંધિ પાન, અતિ ધીરે ધીરે,
સુનાલી રૂમાલ હાતે દેઉઆન પશિલો અન્દરે.

[મોંમાં સુગંધી તાંબૂલ અને હાથમાં જરી ભરેલ રૂમાલ : એવો ઠાઠ કરીને દીવાન ધીરે ધીરે ઓરડામાં દાખલ થયો.]

“હે દિલારામ ! પલંગ પર આવો !”

“હે દીવાનસાહેબ, પ્રથમ તો મારા ગરીબ ધણીને છોડી મૂકો. એ બિચારાનો શો ગુનો છે ?”

દીવાને પરગણાના કાજી ઉપર એ પ્રમાણે હુકમ મોકલ્યો.

“હવે, હે ખાવંદ ! બાજ પક્ષી લઈને શિકારે જવા માટે દિલ થાય છે. કેમ કે હું શિકારીની ઘર-ધણિયાણી હતી. હું એકસામટા સો સો બાજને પકડી દઉં. ચાલો નૌકા લઈને સે’લ કરવા જઈએ.”

દીવાને નૌકા શણગારી. અને મલુવાએ શું કર્યું ?

પોતાના બાજ પક્ષીની ચાંચમાં બીજો કાગળ દીધો, પાંચ ભાઈઓને છૂપા ખબર દીધા.

પાંચ ભાઈઓ અને છઠ્ઠો ચાંદવિનોદ પોતાનો મછવો લઈને છૂટ્યા. આઘે આઘે નદીમાં દીવાનની નૌકા સાથે ભેટો થયો. દીવાનના માણસોને મારીને મલુવાને છોડાવી પોતાના મછવામાં ઉઠાવી ગયા.

ચાંદવિનોદના નાતીલાઓએ નિન્દા શરૂ કરી :

કેહો બોલે મલુવા જે, હોઈલો અસતી;
મુસલમાનેર અન્ન ખાઈયા ગેલો તાર જાતિ.

૧૩