આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 “લ્યો, મહારાજ, ગોમતી-સ્નાનની સાબદાઈ કરો.”

ડોકું ધુણાવીને મહારાજ બોલ્યા: “ના બા, એમ ગોમતીજીમાં ડિલ પલાળીને નથી ભાગવું.”

“ત્યારે ફરમાવો.”

“જુઓ, ભાઈ, આપણા સૌમાંથી જે પહેલવહેલો ગોમતીજીમાં નાય એણે દ્વારકાની ચોરાશી જમાડવી પડે.”

દ્વારકાની ચોરાશી ! સાંભળીને સહુ અમીરો ચૂપ થઈ ગયા.

“સાચેસાચ, મહારાજ ?” રાઘવ ભમ્મરનો અવાજ આવ્યો.

“સાચેસાચ ! ગોમતીજીને કાંઠે તો સહુ સરખા. જેને અંગડે ઊલટ આવતી હોય એ પહેલો નાય. પહેલા નાવાનું પુણ્ય કાંઈ રાજાને જ કપાળે નથી લખી દીધું.”

“ત્યારે હવે વેણે પળજો, હો મહારાજ !” કહેતો રાઘવ ઊભો થયો. અમીરો એકબીજાનાં મોં સામે જોઈ રહ્યા, અને ઠાકોર હસવા લાગ્યા : “અરે મામા, તમે ?”

“હાં, બાપા, હું. લ્યો ત્યારે, જે મોરલીધર !” કહીને રાઘવ ભમ્મર પહેરેલ લૂગડે અને પગરખાં સોતો દોડ્યો. કાંઠેથી ગોમતીજીને ખોળે કાયાનો ઘા કર્યો. અને કાંઠે બેઠાં બેઠાં મહારાજ ‘ખડ! ખડ!’ દાંત કાઢીને પડકારા દેવા લાગ્યા.

કાંઠા ઉપર અમીરો કોચવાઈને અંદરઅંદર વાતો કરવા મંડ્યા : “વાહ ! આટલો બધો અબુધ આયર ! મહારાજનીયે મરજાદ નહિ !”

“મહારાજે વિવેકમાં જરાક કહ્યું ત્યાં જ જશ લેવા દોટ દીધી !”

“મૂઢ જાત ખરી ને !” રાઘવ ભમ્મરને બાવડાં ઝાલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા. પંજો લગાવીને વાંસો થાબડ્યો. પોતાના રાજના એક ઘરધણી માણસને પણ આટલો પોરસ આવ્યો ભાળીને મહારાજ રાજી થયા.

ખૂણે બેઠો બેઠો ચારણ મોં વકાસીને નીરખી રહ્યો.

બીજે દિવસે ગૂગળી બ્રાહ્મણોનાં જૂથ હલક્યાં. છાણાંના આડ મંડાઈ ગયા. ખાખરા શેકાઈ, ખારણીએ ખંડાઈ, ઘી-ગોળ ભેળાઈ, લાડવા વળાવા