આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



બહારવટિયો

ડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો.

બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન કર્યો : “મારું મોત કહી દેશો, જોશી ?”

“મારવું-જિવાડવું એ તો પ્રભુના હાથની વાત છે, રાજાજી ! હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું.”

“મારું ભવિષ્ય જોશો ?”

“આટલાં બધાં માણસોની વચ્ચે કહેવરાવવું રહેવા દ્યો, મહારાજ ! ફરમાવો તો હું આપને એકાંતે મળું.”

“ના, ના, જોશી ! આ તમામ મારા માટે જીવ દેનારા રજપૂતો છે; એનાથી મારે અંતરપટ ન હોય. કહો, જે કાંઈ મારી જન્મકુંડળીમાંથી નીકળતું હોય તે.”

“ઠીક ત્યારે, બાપુ ! આજથી ઓગણત્રીસમે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે.”

મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આભમાં વાદળાંનું ધાબું પણ નહોતું. રાત પડતાં નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આભને આઘે આઘેને ખૂણે વરસાદના વાવડ નથી. કલ્યાણમલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા.

“મહારાજ !” જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું : “આ આંકડાની ગણતરી છે – વિધાતાના લેખ જેવી. ઓગણત્રીસમે દિવસે જતન રાખજો.”

“અને ગણતરી ખોટી પડે તો ?”

19