આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 “અરે, ગઝબ થયો !... કુંવર પડ્યા ! કુંવરને વાગ્યું !... કુંવર જોખમાણા !” એવી બૂમ ઊઠી.

“મહેમાને કુંવરને તરવાર મારી !.. પકડજો !... ઝાલજો ! ઝાલજો !” એવી બીજી ચીસ પડી.

મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તરવાર પકડી છે એની શી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે.

આંહીં ઝાંપામાં તો કૅર થઈ ગયો છે. મંદોદરખાન દરબારના નવ વરસના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું, અને ઘડી-બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું.

પણ આ થયું શું ? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે, મહેમાન જે મ્યાન સોતી તરવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દૈવગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું; કોઈને ખબર નહિ, અને તરવારની પીંછી અકસ્માત્ કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો, અને વળી નસીબદારનું બચ્ચું, એટલે તો બગીચાનું ફૂલ : તરત એના પ્રાણ નીકળી ગયા.

પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદરખાન જાતના હતા મોલેસલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી; વાટકીનું શિરામણ કહેવાય; પણ પેટ બહુ મોટું; એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય, તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાણાં-બજાવણાં કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઊજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યા રંગમાં ભંગ પડ્યોઃ રાડ ગઈ કે કુંવરને માર્યો.

“અરે કોણે ?”