આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાનો મારનાર
29
 


“કો’ક મુસાફરે.”

“ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે ?”

“અરે, બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે – ઉઘાડી તરવારે !”

“હાં ! લાવો મારી ઘોડી !”

રૂપિયા બે હજારની રોઝડી ઘોડી : હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી : ભાગતાં હરણાની સાથે ભેટા કેરનારી.

એને ફક્ત ચોકડાભર મંદોદરખાને રાંગમાં લીધી; સાથળ હેઠે તરવાર દબાવી અને રોઝડીને ડચકારી : જાણે તીર છૂટ્યું.

ઝમ ! ઝમ ! ઝમ ! આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદરખાને ઘોડીને ચાંપી.

મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા; થંભી ગયો. પાછો ફરીને જોતાંની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે ? આમેય મરવું તો છે જ, માટે હવે ચીંથરાં શીદ ફાડવાં ?

ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી.

અસવાર એ સમસ્યાને સમજી ગયો; જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોઝડીને થંભાવી. આઘેથી પૂછ્યું : “કોણ છો ?"

“ચારણ.”

"શા માટે આવ્યો’તો ?”

“કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી... છોકરું છાશરાબ વગર રોવે છે... નો’તો આવતો. પણ ચારણ્યે ધકેલ્યો – મંદોદરખાનની વાસના માથે.” અવાજ તૂટક તૂટક નીકળે છે.