આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
૩૫
 


ચડી આવવા સારુ.”

ઘોડીની વાત સાંભળતાં જ ડોસો રાવત ખુમાણ હડી કાઢીને બહાર નીકળ્યો, ચસકો કર્યો કે “એલા, તેં કોઈને પૂછીને ઘોડી છોડી છે ? ઊતર હેઠો ! હીપોભાઈ ઈ ઘોડીએ ચડે નહિ.”

"એ... આપા, હેઠો ઉતારવા તો હવે કરિયાણે આવજો !” એટલું બોલીને સાલેભાઈએ ઘોડીને ડચકારી, ડોસો પાછળ દોડ્યો, ગામના લોકોએ રીડિયા કર્યા, પણ મની ઘોડીને કોઈ આંબે એમ નહોતું. ભોંઠા પડીને સહુ ઊભા રહ્યા અને સાલેભાઈ મનીને જાણે કે આકાશને માર્ગ ઉડાડતો ઉપાડી ગયો.

“હવે ?” આઈએ હોઠે આંગળી માંડીને ઉચ્ચાર્યું : “ઈ ઘોડીના ચોરની વાંસે કોણ જાય ? દાંતુંમાં દઈને શું જાતો રિયો ?”

“બીજું ઘોડું એને આંબે એમ નથી, વછેરી જ આંબે. બોલાવો ઝટ હીપાને. હીપા વિના બીજો કોણ ચડે એમ છે ?”

બાપે હીપા ખુમાણને બોલાવવા વાડીએ માણસ દોડાવ્યું. હીપો દોડતો દોડતો શ્વાસભર્યો ગઢમાં આવ્યો. મની ઘોડીની ભેળા જાણે કે હીપાના પ્રાણ જાતા રહ્યા હતા.

“કઈ દૃશ્યે ગ્યો ?” હીપે પૂછ્યું.

“બાપ, કરિયાણે, બીજે ક્યાં ? તે દી કારજે ગ્યા'તા ને, જીવા ખાચરને ઘોડિયું ગમી ગઈ હશે.”

“ઠીક, હું જાઉં છું.” કહેતો હીપો વછેરી છોડવા ચાલ્યો.

“માડી, હીપા !” આઈએ સાદ કર્યો : “બટકું છાશ પીને પછી જ ચડજે ને, બાપ ! કોણ જાણે ક્યાં રોટલા ભેળો થઈશ.”

માએ ખાવાનું કહ્યું, એટલે પછી તો જમવા બેઠા વગર ગામતરું ન જ થાય એવા વહેમથી હીપો ખુમાણ ખાવા બેઠો. ઊનો ઊનો બાજરાનો રોટલો, પળી એક ઘી, દૂધદહીંની ભરેલી તાંસળીઓ અને સાકરનો ભૂકો થાળીમાં પીરસીને હીપાની વહુ લઈ આવ્યાં. બાજઠ ઉપર થાળ મૂકીને એ ઘૂમટાવાળી કાઠિયાણી તો એક બાજુએ બારણાના ટોડલાના ટેકે ઊભી રહી. અને પોતાના સાત ખોટ્યના એક જ દીકરાની સામે બેસીને આઈ