આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન
[પહેલી આવૃત્તિ]

આ પાંચમા ભાગની તૈયારી અંગે વડિયા તાબાના વહીવટદાર અને મારા સ્નેહી શ્રી હાથીભાઈ વાંકનો, અકાળા ગામના ઠા. વાલજીભાઈનો, આસોદરના ગઢવી દાદાભાઈનો, ચારણ મિત્ર દુલા ભગતનો ને ભાઈ ધીરસિંહજી ગોહિલનો હું ઋણી છું.

‘રસધાર’નો આ છેલ્લો જ ભાગ રજૂ થાય છે. સોરઠી જીવનના સંસ્કાર વિશે આંદોલન ઉત્પન્ન કરવાના પ્રયત્નોમાં પોતાનો બન્યો તેટલો ફાળો ઉમેરવાનો જે યશ પ્રજાએ ‘રસધાર’ ને આપેલ છે તે ગનીમત છે; એટલી બધી કમાઈની આશા નહોતી. ગુજરાતની ગુણબૂજકતાને વંદન કરું છું.

‘રસધાર’ બંધ થાય છે. છતાં સોરઠી જીવનનો સર્વદેશીય પરિચય આપવાના મારા કાર્યક્રમ પૈકી આટલા મનોરથ હજુ બાકી છેઃ સોરઠના બહારવટિયા, સંતો, શાયરો, સોરઠનું નર્મ-સાહિત્ય, ભજન સાહિત્ય.

આ પૈકી કેટલીક સામગ્રી લગભગ તૈયાર છે અને એ જેમ બને તેમ સત્વરે પ્રગટ થશે.

જન્માષ્ટમી: 1983 [ઈ.સ. 1926]
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

સોરઠી સાહિત્યને અંગે બે મહત્ત્વનાં કાર્યો પણ કરવાનો રહે છે; એક તો સુવાંગ સોરઠી કથાઓનો જ સિનેમાઃ ને બીજું, આ સાહિત્યને અંગ્રેજી ભાષામાં ઉતારવાનું સાહસઃ ‘લાખો વણઝરો’ કે “રા’ કવાટ” જેવી છૂટીછવાઈ કોઈ ફિલ્મો અત્યારે ઊતરી રહી છે. પરંતુ એ પ્રયાસ, એક જીવનકાર્ય તરીકેના જોશથી, સતત, સુવ્યવસ્થિત, શુદ્ધ ઇતિહાસ

[5]