આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
38
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

પછી એક માણસના હાથમાં કુંડાળે ફરવા લાગ્યો. ફક્ત હીપાનો જ વારો આવ્યો નહિ. ઝંખવાણો પડી ગયેલ જુવાન પોતાની પાંપણો વડે ધરતી ખણતો ચૂપચાપ બેઠો રહ્યો.

રાતે વાળુટાણું થયું. ચાકરે આવીને કહ્યું કે “બાપુ, થાળી પિરસાણી છે.”

“ઊઠો, કાઠીભાઈ, વાળુ કરવા.” કહીને જીવો ખાચર પોતાની પચીસ માણસની પંગત લઈને ઊઠ્યા. વાંસે વાંસે હીપો ખુમાણ પણ પોતાની ઘોડી દોરીને ઓરડાની ઓસરીએ જમવા ગયો.

ચાકર દૂધની તાંબડી લઈને પંગતમાં પીરસી રહ્યો છે. પીરસતાં પીરસતાં હીપાની થાળી પાસે પહોંચે છે, તે વખતે જીવો ખાચર છેટે બેઠો બોલ્યો : “એલા, ઈ કાઠીભાઈને દૂધ સમાયેં પીરસજે હોં કે ! એના મોઢામાં હજી દૂધ ફોરે છે !”

એટલું બોલીને પંગતના તમામ ભાઈબંધોની સામે જીવા ખાચરે આંખનો મિચકારો માર્યો. તમામ હોઠ મરક મરક થઈ રહ્યા.

હીપો આ મર્મવાક્યનો માયલો ભેદ સમજી ગયો. દરબાર જીવો ખાચર મને એમ કહે છે કે હજી તો તું નાનો છે. માતાનું સ્તનપાન છોડ્યાં તને હજુ ઝાઝી અવસ્થા નથી થઈ. એટલે તું પાછો ફરી જા ! નહિ તો તું બાળક છે તેથી માર્યો જઈશ !

હાય જીતવા ! એક તો ચોરી ને એની ઉપર આ શિરજોરી ! દાઝ્યાને માથે ડામ ! પણ શું કરું ? અટાણે મારો સમો નથી.

ખાવું તો ઝેર થઈ પડ્યું હતું. અન્નના બે-ત્રણ કોળિયા તો મહામહેનતે ગળે ઉતાર્યા. સુખે અનાજ શેં ભાવે ? ઘોડીનો પત્તો એ દરબારગઢમાં તો ક્યાંયે ન લાગ્યો, પંગત ઊઠી એટલે પોતે પણ ઘોડીએ ચડીને જીવા ખાચરની રજા લીધી.

પણ જાવું ક્યાં ? પૂછવું કોને ? એવી મૂંઝવણમાં ગારક બનીને એ તો ચાલ્યો જાય છે. ગામ બહાર નીકળ્યો. ત્યાં પાદરમાં દેખાયો કે તરત જ ઢેઢવાડામાંથી એક બાઈ બોલી : “આ અસવાર તો નવી નવાઈનો લાગે છે ! બપોર દીનો ઘોડીએ ચડીને આંટા જ ખાધા કરે છે ! આ સોત થઈને ચોથી