આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
41
 

કામળો તો તને રિયો.”

એટલું કહેતાં કહેતાં હીપાએ ખોળામાંથી કામળો ઉપાડીને ઘા કર્યો. કામળો ચારણના ખભા ઉપર જઈ પડ્યો અને ઉલ્લાસમાં ગરક બનેલો ચારણ બોલી ઊઠ્યો : “જો મામા, આંહીંથી આડી એક ધાર છે. આથમણી કોર ધાર તૂટેલ પડી છે ને ત્યાં એક સજીવન વૉંકળો હાલ્યો જાય છે. ત્યાં તારી ઘોડી બાંધીને તારો ચોર પડ્યો છે. બહુ વંકી જગ્યા છે. અને તુંને એકલાને ઈ પોગવા નહિ દે, માટે તું ઊભો રે’, હું ભેસુંને ભેળિયું કરીને અબઘડી તારી હારે આવું છું.”

એટલું કહીને ચારણ ગોબો લઈને દોડ્યો. ભેંસોને ભેગી કરવા લાગ્યો, અને આ તરફ ઘોડી માથે બેઠાં હીપા ખુમાણનો હોકો હાથમાં થંભી ગયો. એના દિલમાં વિચાર ઊપડ્યો : “બે જણા જઈને એક શત્રુને જીતશું, એમાં શી મરદાનગી લેખાશે ? અને હું આજ પ્રથમ પહેલો નીકળ્યો છું. એમાં જ શું જશના ભાગલા પડશે ? એ તો ઠીક, પણ મને મેણું દઈને મોકલનારી કાઠિયાણીને હું કાલ રાતે મળીશ ત્યારે શું જવાબ દઈશ ? પછી એ કાંઈ બોલવામાં બાકી રાખશે ? હે જીતવા ! જાઉં તો એકલો જ જાઉં, નીકર મારે ઘોડી ન ખપે.”

તરત એણે નીચે હાથ લંબાવી વાડ્યને ટેકે હોકો મેલી દીધો અને ઘોડીને ડુંગરમાં ચડાવી.

સાલેમાળ ડુંગરનું જ એ પીછું નીકળ્યું હતું : અંદર મોટાં મોટાં કોતર પડ્યાં છે. ચડ્યે ઘોડે અંદરથી નીકળાય તેમ નથી. ઊતરીને વછેરી ઝાડને થડ બાંધી પોતે પોતાનાં પગરખાં કાઢી નાખ્યાં. ઉપર ચડ્યો ત્યાં તો નજર પડી : ગરુડના ઈંડા જેવી ઘોડી, ચંદ્રમાને અજવાળે દેખાણી : કોઈ દૂધિયાં સરોવરમાં જાણે કમળફૂલ ખીલ્યું છે. ઊભી ઘોડી પૂંછની ચમરી વીંઝે છે, અને પડખે જ બંદૂકનો ટેકો દઈને ચોર સૂતો છે. જરાક ઝોકે લેવાઈ ગયેલો લાગ્યો. પાડાના કાંધ જેવી ગરદન : કરવતે કપાય એવી અને મહિષાસુરના જેવી પડછંદ ફાટેલી કાયા : સામે ભયંકર એકાન્ત : શત્રુના હાથમાં બંદૂક અને પોતાની પાસે ફક્ત તરવાર જ : એક પળે તો કાળજું થડકી ગયું. પણ બીજી જ ઘડીએ કાઠિયાણીને કલ્પનામાં ઊભેલી દીઠી.