આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 તરવાર તાણીને હીપો દોડડ્યો. પોતાના ધણીને ભાળતાં જ ઘોડીએ હાવળ દીધી. ડુંગરા ફાટફાટ થઈ રહ્યા. ઝોલે ચડેલો જત જાગી ઊઠ્યો, અને જ્યાં પડખું ફેરવીને નજર કરવા જાય ત્યાં ગરદન ઉપર હીપાના જોરદાર હાથનો ઝાટકો પડ્યો. કોણ જાણે કેવાય મેળની તરવાર પડી કે કરવતે વેરાય તેવું ડોકું એક જ ઝાટકે ઘડથી નોખું થઈ ગયું. એક વાધરી પણ ન વળગી રહી. અને ડુંગરમાળમાં એ ઝાટકાના પડછંદા ઊઠ્યા.

ઘોડીની હાવળ : સામે વછેરીની હણહણાટી : ને ત્રીજો ગરદન પર ગાજેલો ઝાટકો : ત્રણ અવાજ અધરાતને ટાઢે પહોરે ડુંગરાની ગાળીમાં ભયંકર નિર્જનતા વચ્ચે એટલા તો કારમાં અને ઘોર લાગ્યા કે ભેંસો ભેળી કરનાર ચારણે નક્કી. ‘મામા’નું મોત થઈ ગયેલું માન્યું. ‘આવી પહોંચ્યો છું ! આવ્યો છું !’ એવી હાકલ સાથે એણે ડુંગરા ભણી દોટ દીધી. ફાળમાં ને ફાળમાં એનો શ્વાસ ચડી ગયો, પણ જ્યાં અંદર જઈને નજર કરે ત્યાં તો હીપાને હેમખેમ લોહિયાળું ખડગ લઈ ને ઊભેલો દીઠો. જોઈને ચારણની છાતીએથી કસો તૂટવા મંડી. અઢાર વરસના જુવાન કાઠીનો ઝાટકો જોઈને ચારણે બાથ ભરી લીધી. અને મા-દીકરી બેઉ ઘોડીઓના સામસામાં હર્ષનાદથી ડુંગરા ડોલવા લાગ્યા. રાતનાં જળ જંપી ગયેલા તે જાગી ઊઠ્યાં.

“અખિયાત કરી ! મામા, તેં તો અખિયાત કરી !” એવા પડકારા ચારણના કંઠમાંથી નીકળવા લાગ્યા.

“બાપો ! બાપો મારો ! બાપો ઘોડી !” એમ બોલીને હીપો ઘોડીને બચ્ચીઓ દેવા લાગ્યો. ઘોડી થનગની ઊઠી.

હીપાએ ચોરના માથાના મોટા વાળનો ચોટલો ઝાલી, નીતરતે લોહીએ લટકતું માથું હાથમાં ઉપાડ્યું, ઘોડી છોડી, વછેરીને પણ લીધી. ચારેય જીવ ચારણને નેસડે આવ્યાં. ત્યાં બાકીની રાત હીપાએ બેઠાં બેઠાં અને બેય ઘોડીઓને પંપાળતાં પંપાળતાં પૂરી કરી. એને નીંદર આવે તેવું તો નહોતું રહ્યું. સવારે ઊઠીને એણે ચારણની ઓસરીએ ઢીંગલનાં દૂધગોરસ અને લીલાકંજાર બાજરાના રોટલાની મહેમાની ચાખી. જમી કરીને એણે બેય ઘોડીઓની સરક ચારણના હાથમાં મૂકી.

“આ લે, ગઢવા આ તારા મોરાપામાં.”