આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
49
 

 “એ નીકળું છું, બાપ ! હવે કાંઈ થોડો બેઠો રહીશ ?”

થોડીક વાર થઈ, બજારમાં લૂંટફાટનો ગોકીરો જાગી ઊઠ્યો. મેરજીને કાંઈક વખત લાગ્યો.

“કાં, મેરજી ! જીવ કાંઈ ઓળે છે ગરે ?”

“ના, બાપુ, અટાણે મેરજીનો જીવ ઓળે થોડો ગરે ?” અંદરથી જવાબ આવ્યો: “અટાણે તો લેખે ચડી જાવાનું ટાણું કે’વાય.”

“ત્યારે ?”

“આ એક નાનો બાળ્યકો મને ઝાલી રાખે છે, બાપુ ! એને ધક્કો દેતાં જીવ પાછો પડે છે.”

“એયે ભલે ને બહાર રમવા આવે !”

દરબારગઢનો દરવાજો ઊઘડ્યો, અને બે જણ બહાર નીકળ્યા : એક આઠ વરસનો દીકરો છે, એના હાથમાં નાની એવી તરવાર (નીમજો) છે : અને બીજો એંશી વરસનો બુઢ્‌ઢો મેરજી જત છે, જેને ખભે બંદૂક છે. દાઢીમૂછ રૂની પૂણી જેવાં સફેદ થઈ ગયાં છે.

છોકરો નાનકડી તરવાર લઈને કૂદ્યો, અને સાંઢિયા તેમ જ ઘોડાને પગે ઝાટકા મારીમારીને ચસકા કરવા લાગ્યો. મરજીએ ખભેથી બંદૂક ઉતારી.

“મેરજી !" હીપો ખુમાણે હાકલ દીધે : “પે’લો ઘા તમારો.”

“બાપુ, મારો ન હોય !”

“બુઢ્ઢા છો, કરો ઘા.”

વહેલા એ પહેલા અને ભૂલે એ ઘેલા, એમ વિચારીને મેરજીએ બંદૂકના કાન ઉપર જામગરી ચાંપી. અંધારે હીપા ખુમાણની ઘોડી ઉપર એંધાણ માંડીને ગોળી છોડી.

ગોળી ક્યાં ગઈ ? હીપા ખુમાણની ઘોડીના કાઠાની મૂંડકીમાં ભટકાઈ ખણિંગ કરતી ગોળી બીજી બાજુ ગઈ અને ચાંપો ખુમાણ ઊભો હતો તેના પડખામાં પેસી, લોહીમાં નાઈધોઈ, ધ્રોપટ બીજે પડખે થઈને નીકળી ગઈ. ચાંપાને બંને પડખે લોહીનાં પરનાળાં મંડાયાં. તત્કાળ ચાંપે હાથ ઊંચો કરી, પડખે ખોરડું હતું તેને નેવેથી એક નળિયું ખેંચી, તોડી, બે ચીપો બન્ને