આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ફરી સમજાવીએ, ન માને તો પાણીનો કળશો ભરીને આડા ઊભા રહીએ. આમ રોયે શું વળશે ?”

સહુની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઈ. આછા-પાંખા કાતરા : એકવડિયું ડિલ : ફાટલતૂટલ લૂગડાં : ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું : કાખમાં તરવાર ને હાથમાં હોકો : ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે.

“ત્યારે, ભીમા ગરણિયા,” માણસોએ કહ્યું: “તમે અમારી હારે આવશો ?”

“ભલે, એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું.”

“જે ઠાકર !” કરીને સહુ ઊપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાલ્યો. સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો, પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બોલ્લ્યો : “બાપુ, રામ રામ !”

“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા, મોં આડો રૂમાલ રાખીને હસવું ખાળ્યું.

“છઉં તો આયર.”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી : “બોલો આયરભાઈ, શો હુકમ છે ?”

“બાપુ, હુકમ અમારા ગરીબના તે શિયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુનો પ્રભુ રાજી રે !”

“આયરભાઈ !” પ્રતાપસંગનું તાળવું તૂટું તૂટું થઈ રહ્યું : “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના, બાપ ! હું તો પસાયતોય નથી.”

“ત્યારે?”

“હું તો મુસાફર છું. અસૂર થયું છે ને રાત રિયો છું.”

“તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ !”

“અમારે આયરને આબરૂ શી, બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક જ છોડવાની બે ડાળ્યું : એક જ ખોરડું કહેવાય :