આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
65
 

અસવારને એકલે તગડી, ધણ પાછું વાળ્યું છે અને શામળા ભાની ફગ સાંગની અણીએ ઉતારી લઈ જીવતા જાવા દીધા છે.’

વજા મહારાજની છાતી પહોળી થવા માંડી. પાસાબંધી અંગરખું પહેર્યું છે તેની કસો તૂટી પડી. “રંગ ! ઘણા ઘણા રંગ !” એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો: “પરમાણંદદાસ ! દાદન શેખને પચાસ ઘોડે સાતપડે મોકલો, ભીમાને તેડી આવે.”

“ભલે, બાપુ!”

“પણ કેવી રીતે લાવવા, ખબર છે ?”

“ફરમાવો.”

“પ્રથમ તો એણે જે ફગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી. અને બીજું, સાતપડા ને ભાવનગર વચ્ચે આપણાં જેટલાં ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળી કરી, કસુંબા કાઢી, ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું. ગામેગામ એ આયરને છતો કરવો.”

દાદન જમાદાર ઊપડ્યા. સાતપડા માથે જઈને ભીમા ગરણિયાને બાથમાં લઈ લીધા.

“અરે રંગ ગરણિયા ! મહારાજની લાજ વધારી !”

“અરે બાપુ ! ઈ તો મહારાજનાં ભાગ્ય જબરાં ! હું શું કરી શકતો’તો ?”

“લ્યો, થાવ સાબદા. તમારે ભાવનગર આવવાનું છે.”

“અરે બાપા, હું ગરીબ માણસ ! મહારાજ પાસે મેંથી કાંઈ અવાય ?”

“અને ઓલી ફગ સાથે લેવાની છે.”

“હં ! હં ! ભાઈ, મારી હાંસી કરાવવી છે ?”

ભીમો તૈયાર થયો, પણ ફગ લેવાનું ન માન્યો. એટલે દાદન શેખે પટેલને લઈ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી, સંચોડી સાંગ જ સાથે લઈ લીધી.

“લ્યો ગરણિયા, નાખો સાંગ પાઘડામાં.”

“અરે બાપ ! મારું મૉત કાં કરાવો ?”

“તો અમે લેશું.”