આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



શેત્રુંજીને કાંઠે

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂંછડાં ફંગોળી ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી. પાસેની ગીરમાંથી સાવઝની ડણકો સંભળાતી.

બેય કાંઠે પારેવાંના માળા જેવા આહીરોના બે નેસડા પડ્યા છે. સવાર-સાંજ ભેંસોના આંચળની શેડ્યોને ધમોડે અને છાશને વલોણે બેય નેસડા સીમ બધી ગજવી મેલે છે. અંદર સળી ઊભી રહી જાય એવાં ઘાટાં દૂધ દોણાંમાં સમાતાં નથી. વલોણાં ઘુમાવતી આહીરાણીઓ નેતરાં ઉપર આખા અંગને એવી તો છટાથી નીંડોળે છે કે જાણે શરીરમાંથી રૂપની છોળો છલકાઈ ઊઠે છે. કાયાનાં સરોવર જાણે હેલે ચડે છે.

પહોર દિવસ ચડતાં બેય નેસડામાંથી ભેંસો ઘોળીને બે છોકરાં નીકળે છે : એક છોકરો ને એક છોકરી : બેયની દસબાર વરસની અવસ્થા વહી જાય છે. છોકરાને ઉઘાડે માથે વેંતવેંતનાં ઓડિયાં ઓળેલા હોય છે. ને છોકરીનો મીંડલા લઈને વાળેલ મોટો અંબોડો ભાતીગળ લૂગડાની કુચલીમાં ઢંકાયેલો હોય છે. બેયના હાથમાં લાકડી; બેય આંબલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાતરા ગોતી કાઢી, લાકડીને ઘાએ મનધાર્યાં નિશાન આંટીને પાડી નાખે, અને વહેંચી ખાય. વાંદરાં જેવાં રમતિયાળ બે છોકરા ગોંદરાનાં ઝાડની ઘટામાં ઓળકોળાંબો રમે છે. પણ ઘણી વાર છોકરી એ છોકરાને ઝાલી લે છે. પણ ઘણી વાર તો છોકરો જાણીબૂઝીને જ પોતાને ઝાલવા દે છે. આણલદેને ઝાલવી તે કરતાં એના હાથે ઝલાવું એમાં દેવરાને વધુ આનંદ પડતો. ઘણી વાર તો આ જાણીજોઈને ઝલાઈ જવાની દેવરાની

75