આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



સાજણ હાલ્યાં સાસરે, આંસુડાં ઝેરી,
પાડોશી હાલ્યાં વળામણે, માવતર થ્યાં વેરી.
માવતર થ્યાં વેરી તે કિયો,
સુખદુ:ખ મનમાં સમજી લિયો,
કે, તમાચી સુમરો ગિયાં સાજણને તજીએ શેરી,
સાજણ હાલ્યાં સાસરે, આંસુડાં ઝેરી.

નદીને તીરે ઝાડ ઊભાં છે. વેલ્યમાં બેઠેલી આણલદે એ ઘટામાં પણ પોતાના વાલમનાં સંભારણાં ભાળે છે. આહાહા ! આંહીં આવીને દેવરો રોજ દાતણ કરતો. હું એને તાજાં દોહીને ફીણાળાં દૂધ પાતી :

(આ) તરવેણીને તીર, (અમે) સાગવનેય સરજ્યાં નહિ,
(નીકર) આવતડો આહીર, દાતણ કરવા દેવરો.

“અરેરે ! હું માનવીનો અવતાર પામી, તે કરતાં આ નદીને કાંઠે વનનું ઝાડવું સરજાઈ હોત તો કેવું સુખ થાત !રોજ મારો પ્રીતમ દેવરો મારી ડાળખી તોડીને દાતણ કરત. હું મૂંગું મૂંગું ઝાડવું થઈને એનાં દર્શન તો કરત ! મારી ડાળીઓ ઝુલાવીને એને વીંઝણો તો ઢોળત ! મારી છાંયડી કરીને એનો તડકો તો ખાળત ! પણ કર્મની કઠણાઈએ હું તો સ્ત્રીનો અવતાર પામી.”

બપોરના તડકા થયા. વૈશાખની લૂ વરસવા લાગી. જાનૈયા ભૂખ્યા થયા. નદીકાંઠો આવ્યો એટલે ટીમણ કરવા માટે ગાડાં છોડવામાં આવ્યાં. સહુએ ખાધું. તે પછી નદીને વીરડે જાનડીઓએ વીરડો ઉલેચ્યો, પણ પાણી આછરે નહિ. જાનડીઓએ અરસપરસ હોડ વદી : “એલી બાઈયું, જેને પોતાનો વર વા’લો હશે, એને હાથે પાણી આછરશે.”

રૂપાળાં છૂંદણાંવાળા હાથની સુંવાળી થપાટો વીરડાનાં ડોળાં પાણીને વાગવા લાગી, પણ પાણી તો એકેય આહીરાણીના અંતરની વહાલપની સાક્ષી પૂરતું નથી. થાકીને જાનડીઓ સામસામી તાળીઓ દેવા લાગી. ત્યાં બે-ચાર જણી બોલી : “એલી એય, ઓલી વહુ લાડડીને ઉતારી વેલ્યમાંથી હાથ ઝાલીને હેઠી. જોઈએ તો ખરાં, ઈ નવી પરણીને આવે છે તે વર ઉપર કેવું હેત છે ?”