આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
87
 

એ વાતનું ધ્યાન કોઈને નથી રહ્યું.

જમવાનું ટાણું થયું છે. સાસુએ હોંશેહોંશે જૂઈના ફૂલ જેવા ચોખા રાંધ્યા છે. “વહુ, દીકરા, થાકી ગઈ હઈશ, માટે બેસી જા ફળફળતા ચોખા ખાવા.”

ચોખામાં તપેલી ભરીને ઘી રેડ્યું. દળેલી સાકર છાંટી, પણ કોણ જમે ! વહુ તો બેઠી બેઠી લવે છે કે:

ઊનાં ફળફળતાંય, ભોજનિયાં ભાવે નહિ.
હેતુ હૈયામાંય, દાઝે સૂતલ દેવરો.

“અરેરે, ઊનાં ભોજન તો હું શી રીતે જમું? મારા અંતરમાં દેવરો સૂતો છે, તેની કોમળ કાયા એ ઊના કોળિયાથી દાઝી, જાય તો?”

એવી વહાલાની વિજોગણ એક બાજુથી ખાતીપીતી નથી, ને બીજી બાજુ કુળધર્મનું જતન કરવાનું ક્યાંયે ચૂકતી નથી. પણ દિવસ પછી દિવસ વિતતા ગયા. અંતરના ઉત્પાત સંતાડવા આણલદે બહુ બહુ મથી, તોય એનો ચિત્તભ્રમ ઉઘાડો પડવા લાગ્યો. મોતીની ઈંઢોણી ઉપર ત્રાંબાની હેલ્ય મેલી સૈયરોના સાથમાં પાદરને કુવે પાણી ભરવા જાય છે. તોયે આણલદેની એક પણ હેલ્ય હજી ભરાતી નથી. પાણીમાં જાણે દેવરાનો પડછાયો પડ્યો હોય, એવી કલ્પના કરતી કરતી આણલદે ઊભી રહે છે. સીંચણ હાથમાં થંભી રહે છે. એમ ને એમ દિવસ આથમે છે. કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય છે, પારેવાં ઘુઘવાટા છોડીને માળામાં લપાય છે, વાદળ વીખરાય. છે, ને દિશાઓ ઉપર અંધારાના પડદા ઊતરે છે, ત્યારે આણલદે ઠાલે બેડે ઘેર આવે છે અને સાસુના ઠપકાને સાંભળીને લવે છે:

સીંચણ ચાળીસ હાથ, પાણીમાં પૂગ્યું નહિ.
વાલ્યમની જોતાં વાટ, દી આથમાવ્યો દેવરા.

“હે બાઈજી, સીંચણ તો ઘણુંય ચાળીસ હાથ લાંબું હતું, પણ પાણીને પહોંચ્યું જ નહિ. મારો દિવસ તો દેવરાની વાટ જોવામાં જ આથમી ગયો.”

નિસાસો નાખીને સાસુ બોલ્યાં કે “અરેરે ! આ હરાયું ઢોર અહીં ક્યાંથી આવ્યું? આનું તો ફટકી ગયું લાગે છે! આ તો મારું કુળ બોળવાની