આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કશી વાર નહોતી. બીજા કોઇ એક ગામના આયર સાથે એના ભાઇઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યાં. ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી.

સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી બે-ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઇ રમાતી હતી. જુવાનો ભવાઇ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો.

અંતે અકળાઇ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો ?

એક તાજો પાળિયો : રુધિર જેવા તાજા સિંદૂરમા રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો.

કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભર્યું - એ પહેલી વારનું પરણેતર; માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન - જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નીરખેલી; એને સાંભરી આવી - પહેલવહેલી રાત અને બીજી એવી ઘણીય અજવાળી રાત્રિઓ; એને સાંભર્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ; અને અંતે સાંભર્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું.

આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.

પાદરમાં એ ટાણે ગામના છોકરા 'સાતતાળી' રમતા હતા અને ગાડાખેડુને પૂછગાછ કરતા હતા કે 'વેલ્યમાં કોણ છે?' એમાંથી એક ચારણનો છોકરો સંતાઇને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી, આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ જોયો; પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઇ. ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો; તક જોઇને છોકરાએ દુહાનાં બે