આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’

ચારણ રડી પડ્યો : "હે દેવરાજા ! મારી ચારણીને હું હવે કે'દીયે નહિ સંતાપું"

ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો : ‘ભાઈ ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’

‘બાપા ! તમારા પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’

‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’

રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું. લઈને માથા પર ચડાવ્યું. પછી પરોવીને ડોકમાં પહેર્યું.

ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.

𓅨❀☘𓅨❀☘