આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘરમાં બેસાડી હતી.સોની વેર વાળવા આવ્યો હતો.

એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે. ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી નીકળી, પઠાણનો વહેમ વધ્યો.

વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોછી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું: "બાપુને જોવા છે?"

"ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે."

"અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય."

ગાડી નીકળી. ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણનિ વહુ જોવે છે. એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી.

ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવેલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. 'આવો જમાદાર!' એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો.

એક જ ઘડી- અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત.

પણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ જેવો પઠાણ પડ્યો. ઝબકેલાં માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો.

ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ "ગઢવી! તમે મારા પ્રાણદાતા!"

"ખમા બાપને!" ગઢવી બોલ્યાઃ"હું નહિ, જોગમાયા!"

"ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું."

"શી જરૂર છે, બાપ? આ કાયા પડે જ તારે કણે બંધાણી છે."