આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

વાલીમામદ આરબ


"જમાદાર સા'બ, ચલો રોટી ખાવા."

"નહિ, હમ ખાયા."

"ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)"

ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો. એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં, વાવને ઓટે બે જણા બેઠા હતા, એક આરબ ને બીજો વાણિયો. ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરાં ખાવા સોગંદ દઈ-લઈને બોલાવે છે. તેનું એક કારણ છે. એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી-પિવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લ્યે; અને બીજું, આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી ઘરેણાંનો ડબો ભેળો લઈને પાછા વળેલા છે. તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂરનો હતો. એટલે જ વાણિયે સોગંદ આપી આપીને આખરે ચાઊસને બે ઢેબરાં ખવરાવ્યે જ છૂટકો કર્યો.

રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી. કમ્મરના જમૈયા સરખા કરીને કસીકસીને ભેટ બાંધી. દંતિયે દાઢી ઓળીને આરબ નીચે ઊતર્યો. વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો.

આરબે સવાલ કર્યો, "કાં સેઠ, ક્યાં જાવું છે?"

"ખોપાળા સુધી."