આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
ઓલી મોતરડીને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
એનો સાસરો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા સસરા ભેળી નૈં જાઉં
હો પાંદડું પરદેશી!
એનો પરણ્યો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા પરણ્યા ભેળી ઝટ જાઉં
હો પાંદડું પરદેશી!

પંખી ઊડે છે. ટોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોં કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ સાંતીડાં જોડી દીધાં છે.

લખમશીએ પણ ખળામાં ડૂંડાં નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંઠકો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા-મારગ જતો હતો. તે મારગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોરટાણે, સાંતી છૂટવાને સમયે, સોનબાઇ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરાં ધીરાં ડગલાં ભરે છે.

સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતાં જ સોનબાઇને વીતેલી વાત સાંભરી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાંની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતાં જ ઓળખણો.

એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીનાં લૂગડાં પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો