આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બનીને બોલી, "મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ. એટલેથી મને શાંતિ વળશે, વધુ નહિ રોકું."

"ગાંડિ થઈ ગઈ? તારે ઘેર જમવા આવું, એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે."

"ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?"

"ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે."

એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઇ ખેતરમાં ચાલી. લખમશી સાંતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઇને એણે પૂછ્યું, "કોની સાથે વાત કરતી'તી? કેમ રોઇ છો?"

છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઇએ ઉઘડી નાખ્યું. કાંઇ બીક ન રાખી. વીકમસી પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે, પોતાને એનાથી જુદું પડવું જ નહોતું, પોતાને સૂતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો; ઓચિંતો આજ આંહીં મળી ગયો; અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાનાં વ્રત લીધેલાં તે પણ એ જૂની માયાનાં માન સારુ જ છે એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણેવેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું.

લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. સાંતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઇ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઊતરેલું હતું. વીકમસી પણ ત્યાં બેઠો હતો. એણે આ બેય જણાં આવતાં જોયાં. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમશી આવીને કજિયો આદરશે. ત્યાં તો ઊલટું જ લખમશીએ સુંવાળે અવાજે કહ્યું, "ફળીએ આવશો?"

વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાઇ. એક વાર સોનબાઇને મલવાનું મન થયું. મુખીની રજા