આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમશીએ દોરી લીધી.

બીક હતી ને ટળી ગઈ. લખમશીનાં આદરમાન બીજે ક્યાંય નહોતાં દીઠાં. કોડે કોડે રાંધેલું મીંઠું ધાન લખમશીએ પરોણાને તાણખેંચ કરીને ખવરાવ્યું; ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી; અને ધીરે ધીરે વીકમસીના મનની રજેરજ વાત એને જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ.

લખમશીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાંની હેતપ્રીત એણે દીઠી હતી. અને આંહી એણે આ બે જણાંને ઝૂરી મરતાં જોયાં. એ ભીતરમાં ભીંજાય ગયો; પોતે સોનબાઇ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી.

દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો, ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો.

આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ્ આવવા મંડ્યો. ધૂપના ગોટેગોટ ધુમાડા ઊઠ્યા. લખમશીની હાક ગાજી ઊઠી. દેવી એના સરમાં આવ્યાં હતાં.

સોનબાઇ ઘરમાં રાંધે છે, ત્યાં એને હાક સાંભળી. સાંભળતાં જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વીકમસીને ઢંઢોળીને કહ્યું, "દોડ આયર, દોડ! ઝટ પગમાં પડી જા!"

કાંઇ કારણ સમજ્યા વગર વીકમસીએ દોડ્યો. પગમાં માંથું નાખી દીધું. ધૂણતાં ધૂણતાં લખમશીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને આશિષ આપી કે "ખમા! ખમા તુંને બાપ!"

માથે હાથ અડાડતાં તો કોણ જાણે શાથી વીકમસીના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમશીને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમશીએ પૂછ્યું: "કાં ભાઈ! શું લાગ્યું? શું થાય છે?"