આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“હા, આવ બેટા! હું જ તારી ફુઈ છું. આવ મારા ખોળામાં.”

આતુર બાળક તળાવડીમાં ઊતર્યો. બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો. છોકરો ડાહ્યોડમરો થઈને ચૂપચાપ બેઠો, ફુઈના મોં સામે જોઈ જ રહ્યો. એના શરીર પર હેમના દાગીના હતા.

બાબરિયાણીને અવળી મતિ સૂઝી! ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે. ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી. એક તીણો અવાજ સંભળાણો, અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો.

બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી હૂંડામાં મૂક્યા. મુડદાને કૂવાની અંદર ઊંડે ઘાલી દીધું. ઉપર ધૂળ વાળી દીધી. પછી પોતે સૂંડો લઈ તળાવની પાળે આવીને બેઠી.

થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો. જાલમસંગનાં ઠકરાણી નીચે ઊતર્યા. એકબીજાં મળ્યાં અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયાં.

બહેન-બનેવી તો હવે આંહીં લાંબો વખત રહેવાનાં, એમ સમજીને એક અલાયદી મેડી મહેમાનને માટે કાઢી આપી. સૂંડો લઈને કાઠિયાણી પોતાની મેડી ઉપર ચડી ગઈ. પોતે ક્યાંય સૂંડો અળગો કરતી નથી.

જમવાનો વખત થયો, ગાદલી નંખાણી, થાળી પીરસાણી, પંગત બેસી ગઈ. પણ જાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો. એને ગગુ સાંભર્યો.

“એલા, ગગુ કેમ નથી દેખાતો?”

ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ, પણ ગગુભા ન મળે. ઠાકોર કહે કે “મેં ગઢમાં મોકલેલો. રાણી કહે કે “ગગુ અંદર આવ્યો જ નથી.” ગગુને અંગે દાગીના હતા. એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો. બધાને બોલાવીને ધમકાવવા ને મારવા લાગ્યા! પણ કોઈ ન માને. કોઈને ખબર નહોતી. વાવડ મળ્યા કે ‘ભાઈ તો દોડીને પાદર તરફ જતા. હતા.’ માત્રો વરૂ પણ ઉચાટ કરવા લાગ્યો. પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને!