આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ઘેલાશા

[જન્મ: સં.૧૮૨૬ * મ્રુત્યુ: સં.૧૮૮૩]

સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો.

એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભેર થઇને વોળદાનને બિરદાવી રહ્યો છે કે - "ભલો! ભલો વોળદાન! વોળદાન તેં તો કોઇથી ન થાય એવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે -

નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલા,

વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.

રંગમતીને કાંઠે, વોળદાન, તેં જે ટાણે હાથ કર્યો, તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી; અને વોળદાનિયા! તેં તો મોટી બજારે જઇને તરરાર્કુનાં વાઢ દીધા પણ જામની ફોજ તુંને પોગી નહિં. બાપ! બાપ વોળદાન!

કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,
(પણ) કે' દિ ના'વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.


અરે બાપ, કૈંક કાઠી જન્મ્યા, કૈંક હજી જનમશે; કૈંક એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા માથે હજી પાડશે; પણ ઓ કાઠીઓ! વોળદાન જે રાતે જનમ્યો તે, રાત હવે ફરી આવી રહી!

કસૂંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક