આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નવે અવતારે

સાત વર્ષ વીતી ગયાં. તે દિવસે કલ્પના નહોતી, પણ આજે જ્યારે એ સાત વર્ષ પૂર્વે પ્રગટ થયેલી 'રસધાર:ધારા પહેલી'ની પ્રથમ આવૃત્તિ ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે પ્રતીતિ થાય છે કે 'તરણા ઓથે ડુંગર રે, દુંગર કોઈ દેખે નહિ!'

એ ડુંગરેડુંગરાની શિખરમાલામાં મને સાત-સાત વર્ષ સુધી વિહાર કરાવનારા અને એની ખીણે ખીણેથી પાંચ 'રસધારો', 'સોરઠી બહારવટીયા', 'સોરઠી ગીતો' વગેરેના ઢગેઢગ ઇતિહાસ-સાહિત્ય સંઘરાવનારા અનેકમાંથી હું આજ આંગળી ચીંધીને કોને નોખા પાડું? કોનું ઋણ સ્વીકારું? સર્વના પ્રેરણહાર શ્રી પ્રભુજીના ખોળામાં જ મારાં આ સમગ્ર આભારવંદનો ઠાલવી આપું છું. પરમાત્મા મારા સૌ નાના મોટા સહાયકોને, શુભચિંતકોને આ વંદનો વહેંચી આપજો!

સાત વર્ષો પૂર્વે નહોતી લખાવટની શૈલી કે નહોતો પૂરો અનુભવ. વિવેકદૃષ્ટિ પણ ઊઘડી નહોતી. છતાં એવી મારી મર્યાદાઓ તરફ જોયા વિના, આત્મશ્રદ્ધાથી ઊભરાતા મારા ભાઈ શ્રી અમૃતલાલ શેઠે ઓચિંતો 'રસધાર' ભેટ દેવાનો જાહેર પ્રજાને કોલ દીધો. મારામાં એણે પોતાની ચેતના ફૂંકી; મારી અપૂર્ણતાઓને એમણે મોટે મને નિભાવી લીધી. પણ ઉતાવળ અતિશય કરવી પડી હતી, તેને પરિણામે પહેલા ભાગનાં લેખન, મુદ્રણ, રૂપરંગ વગેરે બધાં અંગો, આજે તો જોયાં ન જાય તેવા ફિક્કાં ને કદરૂપ ઊતર્યાં હતાં. વાચકગણ, તમે સહુએ એ બધી ત્રુટિઓ પ્રત્યે ઘણી ઘણી ધીરજ દાખવી છે. ગુજરાતે મારા દોષો દરગુજર કર્યા છે, એનું ભાન મને નિરંતર રહ્યા કર્યું છે.