આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૨

પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે, સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડયા.

“કેમ બચ્ચા ?” જોગીએ પૂછયું.

“ગુરુદેવ ! એક જ બાબત બાકી રહે છે.”

"શી ?"

“આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”

"હા.”

“તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગાજણ !” ગુરુએ નિસાસો નાખયે : “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપનું વેણ છે.”

“વેણેવેણ સાચું કરવું છે ?”

"હા.”

“ તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”

"ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર : હવે પૂરું કરીશ. નાગાજણ ! ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવાણ (શાલિવાહન) ગોહિલ: એને ઘેર સોનદેવી રાણી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઈ જાય. બેાલાવું ?”

“બેાલાવો.”