આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૪

એના કાળલેખ ઉકેલી-ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

"નાગાજણ ! હવે મને રજા દે, બચ્ચા ! ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉ છું. અમારા પંથ અઘોર છે, બાપ !તારી સન્મતિ થાજો ! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?"

જુવાન સિદ્ધનાથ માર્ગે પડયા. એક તો ક્ષત્રી અને વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ : વીરભદ્ર જેવો એ મહાજતિ મોકળી લટે અહાલેક ! અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કેાઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં ડેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડયો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી; એક શિલા પણ ચસ દેતી નથી.

"કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઈને પાછો જાઉં."શાલિવાહન રાજાએ સાદ પાડયો.

એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો, ચારણ ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ :