આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

એનો એવો ભરોસો. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોંદીને જગાડયો. "આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ."

તે દિવસે તો, ભાઈ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજણનું શીશ માંડયું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે "લાવ તારા રાજાનું માથું."

દસોંદી શું મેાં લઈને જાય ! પણ નાગાજણને કાને વાત પહેાંચી અને લલકારી ઊઠયો : "અરે, મારો દસોંદી ! એનાં વેણ માથે તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય; બોલાવો એ ચારણને."

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. "આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?" દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો : "હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે, ચારણ! આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે