આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રા' નવઘણ
— —

મારા વીર! નવ લાખ લોબડિયાળિયુંનાં રખવાળાં તને !”

“ કોણ છે, તમે બેન ?” નવઘણે પૂછ્યું.

“ હું ચારણની દીકરી છું. મારા બાપનું નામ સાંખડા નરો. અહીં અમારો નેસ પડયો છે. મારું નામ વરૂવડી.”

“તમે પોતે જ આઈ વરૂવડી ! આટલાં બાળ છો તમે, આઈ ! હું તટ ઓળખી ન શકયો.” એમ બોલી, નવઘણે પાઘડીને છેડે અંતરવાસ નાખી (ગળે વીંટાળી), હાથ જોડી માથું નીચે નમાવ્યું.

“હાં હાં, મારા વીર! બસ, એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે.” એમ કહી કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રા'ને માથે આંબી ગયા. મીઠડાં લીધાં. દસે આંગળીએાના ટાચકા ફૂટયા.

કટકનાં માણસોમાં વાતો ચાલી : આ આઈ વરૂવડી : દેવીને અવતાર : જન્મ્યાં ત્યારે આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોટું બિહામણું દેખીને એને ડાકણ ગણી સગાંએ ભેાંમાં ખાડે કરીને ભંડારી દીધેલ. બાપ સાંખડો નરો જૂનેગઢ હતા ત્યાં આઈ સોણે આવ્યાં કે, “મને દાટી છે, આવીને બહાર કાઢો.” બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં : કદરૂપાં ખરાં ને, એટલે નામ વરૂડી (ન રૂડી ) પાડયું

“બાપ !” કન્યા બોલી : “ ઊતરો હેઠા, શિરામણ કરવા.”

“આઈ! હું બહુ જાડે માણસે છું, તમારે નેસ રોટલે પોગે નહિ, ને મારે પોગવું છે ઠેઠ સિંધમાં, બે'ન જાહલની વારે નીકર મારી બે'ન જીભ કરડશે.”

“બધી વાત હું જાણું છું, વીરા ! અને હું તુંને તારી અવધ નહિ ચુકાવું. બનશે તે સહાય કરીશ. એક ટક આંહી પોરો લઈને પછી સહુ ચડી નીકળો. તમારી ફતેહ થાશે, ધરમના રખેવાળ !”